જો તમે પણ ટીવી,વોશિંગ મશીન અથવા રેફ્રિજરેટર જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ખરીદી ઝડપથી કરી લેવામાં જ તમારી ભલાઈ છે, કારણ કે હોમ એપ્લાયન્સીસ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ ટૂંક સમયમાં જ તેમના પ્રોડક્ટોની કિંમતો વધારવા જઈ રહી છે. કંપનીઓનું કહેવું છે કે તેમના ખર્ચમાં અનેકવિધ કારણોસર વધારો થયો છે તેથી ભાવવધારા સિવાય હવે કોઈ વિકલ્પ નથી રહ્યો…

અમેરિકન ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ચીનના શાંઘાઈમાં લોકડાઉનના કારણે પણ કંપનીઓ પર દબાણ વધ્યું છે. રૂપિયો નબળો પડવાને કારણે આયાતી માલ મોંઘો થયો છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ તેમના કાચા માલ અને મહત્વના પ્રોડક્ટો માટે આયાત પર નિર્ભર છે એટલા માટે કંપનીઓ હવે તેમની પ્રોડક્ટ્સ 3થી 5 ટકા મોંઘી કરવાનું વિચારી રહી છે…

કોરોના મહામારીના કારણે ચીનના શાંઘાઈ શહેરમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ સ્થિતિમાં શાંઘાઈ પોર્ટ પર કન્ટેનરો જમા થઈ રહ્યા છે. પોર્ટ પરથી માલસામાન ન મળવાને કારણે ઘણી કંપનીઓને પાર્ટ્સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે ઉત્પાદકોની ઇન્વેન્ટરી પર દબાણ વધી રહ્યું છે. આયાત પર નિર્ભર કેટલાક ટોચના પ્રોડક્ટો બજારમાં ઉપલબ્ધ નથી…

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (CEAMA)ના જણાવ્યા અનુસા ડોલર સામે રૂપિયાની નબળાઈએ ઈન્ડસ્ટ્રી માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. સીઈએએમએના પ્રમુખ એરિક બ્રેગેન્ઝાના જણાવ્યા અનુસાર કાચા માલની કિંમતો પહેલેથી જ વધી રહી છે અને હવે ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે આયાતી સામાન પણ મોંઘો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં, હવે કંપનીઓ નફાકારકતા ટકાવી રાખવા માટે આવતા મહિના એટલે કે જૂનથી તેમના પ્રોડક્ટોની કિંમતોમાં 3-5 ટકાનો વધારો કરી શકે છે. એરિકનું કહેવું છે કે જો આગામી બે સપ્તાહમાં ડોલર સામે રૂપિયો 75 રૂપિયાના સ્તરે પહોંચશે તો કિંમતો નહિ વધે…

પેનાસોનિક ઇન્ડિયા અને સાઉથ એશિયાના સીઇઓ મનીષ શર્માનું કહેવું છે કે ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે. કંપનીએ છેલ્લી વખત જાન્યુઆરી 2022માં તેના પ્રોડક્ટોની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે કોમોડિટીના વધતા ભાવને કારણે રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને અન્ય ઉપકરણોના ભાવમાં 4-5 ટકાનો વધારો થઈ શકે છે.

હાયર એપ્લાયન્સીસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સતીશ એનએસ કહે છે કે શાંઘાઈ લોકડાઉનને કારણે પાર્ટ્સનો સપ્લાય વિક્ષેપિત થયો છે. તેની અસર જૂનમાં જોવા મળશે. સૌથી વધુ અસર એર કંડિશનર અને ફ્લેટ પેનલ ટીવી પર પડશે. ફ્રીઝ પર તેની ઓછી અસર પડશે. જો કે આ કારણે ભાવમાં મોટો વધારો થવાની શક્યતા તેમણે નકારી કાઢી છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!