હાલ ગુજરાત વિધાનસભાના સત્રમાં વિપક્ષના પ્રશ્નોના જવાબમાં શાળાઓમાં ઓરડાઓ અને શિક્ષકોની ઘટ સહિતની અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વિધાનસભામાં કોરોના મહામારીને લગતી કામગીરીના સવાલમાં ગુજરાત સરકારે એમ પણ કહ્યું કે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ઓકિસજનની ઘટને કારણે થયું નથી. એક આરટીઆઈ મુજબ, વિજય રૂપાણી સરકારે વડા પ્રધાનનો આભાર માનવામાં બે કરોડ કરતાં વધારે રૂપિયાનો ખર્ચ કર્યો. માહિતી અધિકાર હેઠળ કરવામાં આવેલી અરજીમાં ગુજરાતના માહિતી વિભાગે એવો સ્વીકાર કર્યો છે કે ગુજરાત સરકારે 21 જૂન 2021થી લઈને 8 ફેબ્રુઆરી 2022 દરમિયાન “બધાને વૅક્સિન, મફત વૅક્સિન, ધન્યવાદ મોદીજી”ની જાહેરાતો પાછળ સરકારી તિજોરીમાંથી 2,10,26,410 (બે કરોડ દસ લાખ છવ્વીસ હજાર ચારસો દસ) રૂપિયાનો ખર્ચ કર્યો છે…
ઉલ્લેખનીય છે કે જે સમયમાં આ ખર્ચ કરવામાં આવ્યો તે સમયે ગુજરાતમાં વિજય રૂપાણી મુખ્ય મંત્રીપદે હતા અને માહિતી પ્રસારણ વિભાગ પણ તેમની હેઠળ જ આવતો હતો. ગુજરાતના મહિતી ખાતાએ કોરોના વૅક્સિન બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપતી જાહેરખબર મામલે જે ખર્ચનો સ્વીકાર કર્યો તે જ સબબની અરજી કેન્દ્ર સરકારના બ્યૂરો ઑફ આઉટરીચને પણ કરવામાં આવી હતી.
બ્યૂરો ઑફ આઉટરીચ ભારત સરકારની એ સંસ્થા છે જે સરકારી વિજ્ઞાપન મામલે તમામ કામગીરી કરતી હોય છે. બ્યૂરો ઑફ આઉટરીચે માહિતી આપી હતી કે દેશભરમાં 21 જૂન 2021થી લઈને 20 ડિસેમ્બર 2021 દરમિયાન આ જાહેરાતો માટે 16 કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સંદેશ સાથેનાં પોસ્ટરો અને રેડિયો વિજ્ઞાપનો તો તમે જોયાં સાંભળ્યાં હશે. ‘બધાને વૅક્સિન, મફતમાં વૅક્સિન. વિશ્વનું સૌથી મોટું મફત રસીકરણ અભિયાન.’ સાથે જ ‘ધન્યવાદ મોદીજી’ ખાસ લખવા-બોલવામાં આવતું.
જાહેરાતના હોર્ડિંગમાં આ શબ્દોની નીચે નાના ફોન્ટમાં લખવામાં આવ્યું ”અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મફત રસી ઉપલબ્ધ હતી. હવે 21 જૂનથી સરકારી કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે રસી ઉપલબ્ધ છે.” જોકે ‘ધન્યવાદ મોદીજી’ જાહેરાત સામે એ સવાલ અનેક લોકોએ કર્યો કે ભારતના સામાન્ય નાગરિકને ભારતના જ કરદાતાઓના પૈસે અપાઈ રહેલી, કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી વૅક્સિન મફતમાં પૂરી પાડવાની વડા પ્રધાનની બંધારણીય જવાબદારી છે. તો એના માટે તેમને ધન્યવાદ શા માટે ?