વઘાસીયા, પાંચદ્વારકા અને ગુંદાખડા ગામે ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી ઓક્સિજન પાર્ક ઉભા કરાયા : ફોરેસ્ટ વિભાગ દ્વારા તાલુકાભરમાં 2000 કરતા વધુ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ….

5 જુન, વિશ્વ પર્યાવરણ દિવસની વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટ વિભાગ-વાંકાનેર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર તાલુકાના વઘાસીયા, પાંચદ્વારકા અને ગુંદાખડા ગામ ખાતે ઓક્સિજન પાર્ક નિર્માણ અને તાલુકાના અન્ય ગામોમાં કુલ 2000 કરતા વૃક્ષો રોપવામાં આવ્યા હતા…

આ વર્ષે દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ‘ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ‘ થીમ બેઝ પર કરવામાં આવી રહી છે જે નિમિત્તે વાંકાનેર ખાતે સામાજીક વનીકરણ વિભાગ રાજકોટના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ટી. એન. દઢાણીયા તથા સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના જુદા જુદા ગામોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

કોવિડ-19ને ધ્યાનમાં રાખી લોકોને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે વાંકાનેર તાલુકા વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યા વઘાસીયા, પાંચદ્વારકા અને ગુંદાખડા ખાતે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં વઘાસીયા ગામ ખાતે મુખ્ય મહેમાન તરીકે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ વનરક્ષક વી. એમ. ગોવાણી, કોરોના વોરિયર્સ ધર્મેન્દ્રસિંહ નટુભા ઝાલા, કોરોના કાળમાં પોતાના સ્વજન ગુમાવેલ શક્તિસિંહ ઝાલા, સરપંચશ્રી મહેશભાઈ, ઉપ સરપંચ બહાદુરસિંહ સહિતના હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાનના હસ્તે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી…

વઘાસીયા ગામ ખાતે તુલસી, લીમડો, કણજી, સરગવો પેલ્ટ્રોફોર્મ વગેરે જાતના કુલ 200 રોપાઓનું ગામના સ્મશાન ખાતે વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ, વાંકાનેર સિવિલ હોસ્પિટલ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન, ઢુવા, કોઠી, દલડી, લુણસર, તિથવા, પ્રતાપગઢ, ગુંદાખડા, અદેપર, પાંચદ્વારકા સહિતના ગામોમાં કુલ 2000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે જ આયુર્વેદિક રોપાઓનું વિતરણ કરી ‘ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન’ થીમ થકી પર્યાવરણ અંગે જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

 

error: Content is protected !!