નગરપાલિકા દ્વારા નબળી કામગીરી અને અણધડ વહિવટો બાબતે વહિવટદારને લેખિતમાં રજૂઆત કરી 11 મુદ્દે જવાબની માંગણી કરાઇ….

વાંકાનેર શહેર ભાજપ દ્વારા આજરોજ નગરપાલિકા અણધડ વહિવટો અને નબળી કામગીરી બાબતે વાંકાનેર મામલતદારશ્રી (વહિવટદાર, નગરપાલિકા)ને લેખિતમાં રજૂઆત કરી અને બાબતે વહેલી તકે આ તમામ સમસ્યાઓનો નિકાલ કરી અને તેના જવાબો શહેર ભાજપ કાર્યાલયને આપવા શહેર ભાજપ મહામંત્રી દિપકભાઈ પટેલ તથા ક્રિપાલસિંહ ઝાલા દ્વારા માંગણી કરવામાં આવી છે…

બાબતે વાંકાનેર શહેર ભાજપ દ્વારા નગરપાલિકાના વહિવટદારશ્રીને કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યું હતું કે, ૧).  વાંકાનેર શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સીસી રોડ અંગે સીસી રોડના કામોમાં રેતી વાપરવામાં આવતી નથી. તેની જગ્યાએ કોઈ વેસ્ટેજ કાળું ભૂસુ મિક્સ કરી વાપરવામાં આવે છે તેમજ આ અંગે નિયામાનુસાર ટેસ્ટિંગ રિપોર્ટ લેવામાં આવે છે કે કેમ ?, ૨).  વાંકાનેર શહેરી વિસ્તારમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવેલ તે અંગે જણાવવાનું કે નેશનલ હાઇવે પર જે પેવર બ્લોક નાંખવામાં આવેલ હતા, તે આપના દ્વારા કાઢી લેવામાં આવેલ હતા, તેની જગ્યાએ ફરીથી પેવર બ્લોક જ નાખવાના હોય તો શું અગાઉ ના પેવરની નબળી કામગીરી હતી ? અને તે પેવર ત્યાં ફરીથી નાખેલ તો તેની
ગુણવત્તાનો રિપોર્ટ લેવામાં આવેલ છે કે કેમ ?, ૩).  વાંકાનેર શહેરી વિસ્તારના વોર્ડ નંબર-૫ માં આવેલ અપાસરા શેરીમાં અગાઉ સીસી રોડ મંજૂર થયેલ હતો તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલ હતું તેમ છતાં રોડ રદ કરવાનું કારણ શું ? અને તે સી.સી. રોડ રદ કરી અને હાઇવે પરથી આપના દ્વારા નબળી ગુણવત્તાના પેવર બ્લોક ફરી ત્યાં અપાસરા શેરીમાં નાખવામાં આવેલ છે. તો આ સીસી રોડ કેન્સલ કરી આવા નબળા પેવર બ્લોક નાખવાનું કારણ શું ?, ૪).  વાંકાનેર શહેરી વિસ્તારમાં જે નહેરૂ ગાર્ડન બનાવવા માટે અગાઉ એજન્સીને કામગીરી આપવામાં આવેલ હતી, જે બગીચાની કામગીરી હજુ સુધી શરૂ કરેલ નથી. ફક્ત ત્યાંથી પથ્થર ઉપાડવામાં આવે છે. આ ભરતી ઉપાડીને કોઈ પ્રાઇવેટ જગ્યા પર નાખવામાં આવે છે. તો શું નગરપાલિકા આ પથ્થર નુ પ્રાઇવેટ પાર્ટીને વેચાણ કરી શકે છે ? અને
નગરપાલિકા દ્વારા આ બાબતની જરૂરી પ્રક્રિયા કરવામાં આવેલ છે કે કેમ ? નગરપાલિકા દ્વારા ખાણ ખનીજની રોયલ્ટી ભરવામાં આવે છે કે કેમ ? સ્પષ્ટતા કરશો. નહેરુ ગાર્ડનનું કામ જે એજન્સીને આપેલ છે, તેની મુદત અમારી જાણ મુજબ પૂરી થઈ ગયેલ છે, તો આ મુદ્દતમાં તંત્ર દ્વારા વધારો કરવામાં આવ્યો છે કે કેમ આવી એજન્સીને સોંપેલું બગીચાનું કામ રદ કરીને કોઈ સારી એજન્સીને કામ આપવું, જેથી વાંકાનેર ની પ્રજા ને બગીચા નો લાભ વહેલી તકે
મળી શકે.

૫).  વાંકાનેર શહેરી વિસ્તારમાં ઘણા સમયથી અલગ અલગ કલરનું પાણી આવતું હોય, આ પાણી પીવા લાયક ન હોય જેનાથી અસંખ્ય લોકો બીમારીનો ભોગ બનેલ છે. તો આપના ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે કે કેમ ? જો ચાલુ ન હોય તો શા કારણથી બંધ છે ? ને હાલ ફિલ્ટર પાણી આપવામાં આવે છે કે ફિલ્ટર વગરનું પાણી આપવામાં આવે છે ? તો શું વાંકાનેરની પ્રજા આવા દૂષિત પાણીની સુવિધા માટેનો વેરો ભરપાઈ કરે છે ? આ બાબતને ગંભીરતાથી લઈ જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક પગલા લઈ લોકોને પીવા લાયક શુદ્ધ પાણી આપવા યોગ્ય કાર્યવાહી કરશો. ૬).  વાંકાનેર શહેરી વિસ્તારમાં રાજકોટ રોડ તેમજ સીટી સ્ટેશન રોડ ઉપર લાંબા સમયથી ડિવાઇડર પર સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરેલ છે, પરંતુ લાઈટ શા માટે લગાવવામાં આવતી નથી ? આ શહેરી વિસ્તારને શહેરનું નાક કહેવામાં આવે છે, ત્યાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટ ફીટીંગ ન કરવાનું કારણ શું છે ? જેથી સત્વરે લાઈટો ફીટ કરવા યોગ્ય કાર્યવાહી કરશો. ૭).  વાંકાનેર શહેરી વિસ્તારમાં કચરો એક્ત્ર કરવા માટે અગાઉ ડોર ટુ ડોર વાહનની કામગીરી આપવામાં આવેલ હતી, જે એજન્સી દ્વારા શહેરી વિસ્તારમાં તમામ જગ્યાએ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે ના વાહન જતા હતા, જેના લીધે લોકોની તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ આવેલ ન હતી. તો આ સરસ કામગીરી આપના દ્વારા શા કારણે બંધ કરી દેવામાં આવેલ છે ? આવી સરસ કામગીરી બંધ કરીને તમે શું પ્રજાને બાનમાં લેવા માંગો છો? તો આ કચરો એક્ત્ર કરવા માટેની ડોર ટુ ડોર અંગેની કામગીરી ફરીથી ચાલુ થાય તેવી લોકોની માંગણી લાગણી હોય તો આ બાબતે યોગ્ય કરશો.

૮).  વાંકાનેર નગરપાલિકામાં વહિવટી કામ માટે જે કર્મચારીની ભરતી કરવામા આવેલ છે, તે અમારી જાણ મુજબ ક્વોલીફાઈડ નથી, અને જે ભરતી કરવામાં આવેલ છે તે પાછલા બારણેથી કરેલ છે, તો સરકારશ્રીના નિયમ મુજબ પેપરમાં જાહેરાત આપી ક્વોલીફાઈડ વ્યક્તિની ભરતી કરવાની યોગ્ય પ્રક્રિયા કરશો. ૯).  વાંકાનેર શહેરી વિસ્તારમાં પ્રજાની માંગ વગર ઠેર ઠેર જગ્યાએ નજીવા અંતરે રાતોરાત પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર નાખવાનું કારણ શું ? આ કામગીરીથી વાંકાનેરની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. આ સ્પીડ બ્રેકર અંગે જણાવવાનું કે મોરબી શહેરમાં તાજેતરમાં નાખેલ આવા પ્લાસ્ટિક ના સ્પીડ બ્રેકર સાવ તૂટી ગયેલ છે, ને તેના ખીલા પણ બહાર દેખાય છે અને ત્યાંની પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે, તો શું આપ શ્રી પ્રજાના પૈસાનો દુરુપયોગ કરી આવી બિન જરૂરી કામગીરીને પ્રાધાન્ય આપીને શું સાબિત કરવા માંગો છો ? અને એજન્સી સાથે કોઈ એગ્રીમેન્ટ કરેલ છે કે નહી ? અને આ કરેલ કામગીરી કેટલો સમય ટકી રહેશે તેની બાંહેધરી લેવામાં આવેલ છે કે નહી ? અને જો એગ્રીમેન્ટ કરેલ હોય તો એગ્રીમેન્ટમાં નક્કી કરેલ સમય સુધી આ એજન્સીને તેનું કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ચૂકવવું નહીં, અને આપના દ્વારા ખાતરી મેળવી ત્યારબાદ પેમેન્ટ ચૂકવવું, જો તેમ કરવામાં નહીં આવે તો તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે. વાંકાનેરના શહેરી વિસ્તારમાં જે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર ફીટ કરવામાં આવી રહ્યા છે, તેની સાઈઝ સરકારશ્રીના નિયમ મુજબ છે કે નહીં? તેની પણ ચકાસણી કરવી, વાંકાનેરના ઇતિહાસમાં પ્રજાની માંગણી વગર પ્રથમવાર કોઇ કાર્ય થઈ રહ્યું છે, જે શંકા ઉપજાવે છે. ૧૦).  વાંકાનેર શહેરી વિસ્તારમાં બાકી રહેતા રોડ રસ્તા, સફાઈ, પીવાલાયક(ફિલ્ટર યુક્ત) પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને પ્રજાની સુખાકારી અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા ઉભી થાય તેવી આપ સાહેબ શ્રી પાસે માંગણી છે. ૧૧).  વાંકાનેર શહેરી વિસ્તારમાં લાંબા સમયથી લોકોની જાહેર સ્થળો એ C.C.T.V. કેમેરાની માંગણી હોય, તેમજ તંત્ર દ્વારા પણ આ અંગે જરૂરી મંજૂરી મળી ગયેલ હોય, જેથી જાહેર જગ્યાએ C.C.T.V કેમેરા વહેલી તકે મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે…

જેથી આ મુદ્દાઓની વહિવટદારશ્રીને ગંભીરતા પૂર્વક નોંધ લઇ અને શહેરમાં થયેલા નબળા કામની યૌગ્ય સમીક્ષા કરવા, શંકા ઉપજાવે તેવા અને ગેરરીતિ થયેલ હોય તેવા કામોની તટસ્થ તપાસ કરી અને આ તમામ રજુઆત બાબતે વળતા લેખિતમાં જવાબ આપવા વાંકાનેર શહેર ભાજપ દ્વારા માંગ કરતા ખળભળાટ મચી ગયો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!