વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂકને જ્યારે કલાકોની વાર છે ત્યાંરે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર પર ચુંટાયેલા ૧૬ સભ્યોએ આજે પક્ષમાંથી રાજીનામાં આપી દેતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વાંકાનેર નગરપાલિકાની કુલ ૨૮ બેઠકોની ચુંટણીમાં ૨૪ બેઠકો પર ભગવો લહેરાતાં સ્પષ્ટ બહુમતી ભાજપને મળી છે ત્યારે હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂંક કરવાની થતી હોય જેમાં પક્ષ તરફથીબહુમત સભ્યોની માંગ વિરુદ્ધ મેન્ડેડ અપાતા વાંકાનેર નગરપાલિકામાં ભડકો થયો છે અને ભાજપના કુલ ચુંટાયેલા ૨૪ સભ્યોમાંથી ૧૬ સભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે…
વાંકાનેર શહેર ભાજપ સુપ્રીમો જીતુભાઇ સોમાણી અને મોરબી જિલ્લા ભાજપ ટીમ વચ્ચેની લડાઇ વચ્ચે આવતીકાલે યોજાનારી પાલિકા પ્રમુખની ચૂંટણી પૂર્વે જ ભાવિ પ્રમુખ તરીકે જે નામ ચર્ચામાં છે તેવા જયશ્રીબેન સેજપાલ સહિત વાંકાનેર નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ લેટર બૉમ્બ ફોડી રાજીનામાં ધરી દીધા છે. જેથી આવતીકાલે વાંકાનેર પાલિકા પ્રમુખની ચૂંટણીમાં નવાજુની થવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે, જો કે રાજીનામાં ધરી દેનાર સભ્યો અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે…
વાંકાનેર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 24 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતા બહુમતી સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મવડી મંડળને મોકલી આપ્યું હતું પરંતુ છેલ્લા દિવસોમાં જીતુભાઇ સોમણીના ગાઈડલાઈન ઉપરવટ જઈ ચૂંટણી લડવા મામલે જિલ્લા ભાજપ અને વાંકાનેર શહેર ભાજપ સામસામે આવી ગયા હોય પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બહુમતી સભ્યોએ નક્કી કરેલા નામ ને બદલે અન્ય નામ આવે તેવી દહેશત વ્યક્ત કરી 16 સભ્યોએ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામાં ધરી દીધા છે…
બીજી તરફ વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા 16 સભ્યોના રાજીનામાં અંગેનો પત્ર શહેર પ્રમુખ દિનુભાઈ વ્યાસે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને મોકલી આપ્યો હોવાનું બહાર આવ્યું છે અને આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલના માહોલ મુજબ જો ભાજપ દ્વારા બહુમત સભ્યોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો પક્ષના મેન્ડેડ વિરુદ્ધ વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂંક કરવાની પણ તૈયારીઓ શરૂ કરાઈ હોવાનું ખાનગી સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે…
આ સાથે જ જો ભાજપ દ્વારા બહુમત સભ્યોની માંગ સ્વીકારવામાં આવી જશે તો ઘીના ઠામમાં ઘી પડી અનખ વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર હેઠળ નવી બોડીની રચના કરવામાં આવશે. હાલ વાંકાનેર શહેર ભાજપના કાર્યકરોમાં ખાનગી રાહે થતાં ગણગણાટ મુજબ આ સમસ્યા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખને ગેરમાર્ગે દોરી સર્જવામાં આવી રહી છે જેની પાછળ જીતુભાઇ સોમાણી સાથે તેમના મતભેદો કામ કરી રહ્યા છે…
આ સાથે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના સહયોગી પાર્ટી બસપાના ચાર ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ ભાજપના આ નિર્ણયની વિરોધમાં રાજીનામાં આપનારા ૧૬ સભ્યો સાથે રહેશે તેવું વાંકાનેર બસપા સુપ્રીમો જાકીરભાઈ બ્લોચે ચક્રવાત ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA
ભાજપના 16 સભ્યોએ આપેલા રાજીનામા…