શ્રીલંકામાં આગજની, હિંસા, પ્રદર્શન, સરકારી સંપત્તિઓમાં તોડફોડ વગેરે ચાલી રહ્યું છે. લાંબા પાવર કટ, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની તંગીનો સામનો કરી રહેલા ભારતના આ પાડોશી દેશમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી લાગુ કરી દીધી છે. પહેલી એપ્રિલથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે, આવશ્યક વસ્તુઓનો સપ્લાય જાળવી રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે…
આ પ્રકારની ઈમરજન્સી દ્વારા રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પબ્લિક સિક્યોરિટી અધ્યાદેશની જોગવાઈઓને લાગુ કરી દીધી છે. તેનાથી તેમને સાર્વજનિક સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થાના સંરક્ષણ, વિદ્રોહના દમન, હુલ્લડો કે નાગરિકો દ્વારા કરવામાં આવતા તોફાનો, આવશ્યક વસ્તુઓના સંગ્રહને લઈ નિયમો બનાવવાનો અધિકાર મળી ગયો છે. ઈમરજન્સીના નિયમો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સંપત્તિ પર કબજો જમાવવાનો અને કોઈ પણ પરિસરની તલાશી લેવા માટે કસ્ટડીને અધિકૃત કરી શકે છે. તેઓ કોઈ પણ કાયદાને બદલી કે સસ્પેન્ડ પણ કરી શકે છે.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 13-13 કલાકના પાવર કટથી સંઘર્ષ કરી રહેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. લોકો પાસે ખાવા-પીવાનું નથી. શ્રીલંકામાં ચોખા અને કઠોળની દવાઓના ભાવ આસમાને છે. પેરાસીટામોલની 10 ગોળી 450 રૂપિયામાં વેચાઈ રહી છે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે શ્રીલંકાના ઈતિહાસમાં આ સૌથી ખરાબ આર્થિક સંકટ છે.
પ્રતિબંધો, અછત અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રીલંકાના લોકો શુક્રવારે રાત્રે કોલંબોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. 5000થી વધુ લોકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘર તરફ રેલી કાઢી હતી. ભીડ રાષ્ટ્રપતિ ગૃહમાં આવવા માંગતી હતી. આ દરમિયાન ટોળાની પોલીસ સાથે અથડામણ થઈ હતી ત્યારબાદ 54 લોકોની ધરપકડ કરવામાં આવી છે…
શ્રીલંકાના વરિષ્ઠ પોલીસ પ્રવક્તા અજીત રોહાનાએ જણાવ્યું હતું કે હિંસા, મારપીટ અને આગચંપીમાં 24 પોલીસકર્મીઓ અને ઘણા નાગરિકો પણ ઘાયલ થયા છે. પ્રદર્શનકારોએ સરકાર અને સેનાના અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. મંદીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણનો અભાવ, પ્રદર્શનકારીઓ અને બળવાખોરોએ કરોડો રૂપિયાની સંપત્તિને આગ લગાવી દીધી છે. પોલીસનું કહેવું છે કે તેમની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે સાર્વજનિક સંપત્તિનો નાશ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે….
શ્રીલંકાની સરકારે હિંસાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. બેકાબૂ દેખાવકારોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા. રાષ્ટ્રપતિ રાજપક્ષેના કાર્યાલયે ગુરુવારે રાતના પ્રદર્શનો દરમિયાન હિંસા માટે હજારો વિરોધીઓની અંદર “સંગઠિત ઉગ્રવાદીઓને” દોષી ગણાવ્યા હતા. શ્રીલંકાની સરકારે શુક્રવારે વર્તમાન આર્થિક કટોકટી અંગે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન નજીક હિંસક વિરોધને “આતંકવાદનું કૃત્ય” ગણાવ્યું અને વિરોધ પક્ષો સાથે જોડાયેલા “ઉગ્રવાદી તત્વો” ને દોષી ઠેરવ્યા. દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પરિવહન મંત્રી દિલુમ અમુનુગમાએ કહ્યું કે વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા આતંકવાદી કૃત્ય છે….
દેશમાં 13 કલાક પાવર કટ, ગેસ નથી, ઇંધણ નથી…
શ્રીલંકા હાલમાં ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ઈંધણ, રાંધણગેસ, આવશ્યક ચીજવસ્તુઓ માટે લાંબી લાઈનો જોવા મળે છે અને કલાકો સુધી વીજકાપના કારણે લોકો પરેશાન થાય છે. રાજપક્ષેએ તેમની સરકારની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું કે વિદેશી હૂંડિયામણની કટોકટી તેમની સરકાર દ્વારા સર્જાઈ નથી અને આર્થિક મંદી મોટાભાગે કોરોના મહામારીને કારણે છે. કોરોનાના કારણે શ્રીલંકાની કમાણીનો મુખ્ય હિસ્સો એવા પ્રવાસન વ્યવસાયને ઘણું નુકસાન થયું છે. કોવિડ-19 મહામારીએ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પાડ્યો છે, સરકારનો અંદાજ છે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે 14 અબજ ડોલરનું નુકસાન થયું છે. શ્રીલંકા પર જંગી દેવું છે અને વિદેશી મુદ્રા ભંડાર સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જેના કારણે સરકાર વિદેશમાંથી આવશ્યક ચીજવસ્તુઓ આયાત કરી શકતી નથી. શ્રીલંકામાં સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં ફુગાવો વધીને 17.5 ટકા થયો છે જે એક મહિના પહેલા 16.8 ટકા હતો. સરકારે શ્રીલંકાના ચલણના અવમૂલ્યન પર કોઈ નિયંત્રણો લાદ્યા ન હોવાથી તેમાં વધુ વધારો થવાની ધારણા છે….
નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS