રીબડામાં ગેંગવોરના ડરે પોલીસના ધાડેધાડા ઉતર્યા, અનિરુદ્ધસિંહના પુત્ર સામે ગુનો નોંધવા તજવીજ : ત્રણ ગામના પાટીદારો ગોંડલ દોડી ગયા…

વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક હાઇવોલ્ટેજ બની હતી અને ચૂંટણી વખતે ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાવાની દહેશત વર્તાતી હતી પરંતુ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી, જોકે ટિકિટના મુદ્દે શરૂ થયેલી આ દુશ્મનાવટ હવે રંગ બતાવી રહી છે, મંગળવારે રીબડામાં પાટીદાર સમાજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને કાર્યક્રમમાં બોલાવ્યા હતા, જેનો પડઘો બુધવારે પડ્યો હતો. રીબડામાં અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપે અમિત ખૂંટ નામના યુવકના લમણે બંદૂક રાખી ધમકાવ્યો હતો…

આ ઉપરાતં અન્ય પાટીદારોને પણ રીબડા જૂથે મારકૂટ કરતા સાંજ પડતા માહોલ ગરમાયો હતો અને પાટીદારોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ગોંડલ જયરાજસિંહ પાસે દોડી ગયું હતું, ગોંડલમાં જ અમિત ખૂંટની ફરિયાદ પરથી પોલીસે રાજદીપ સહિતના સામે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી તો જયરાજસિંહે વળતો પ્રહાર કરતા ગુરુવારે સાંજે રીબડામાં મહાસંમેલનની જાહેરાત કરતાં રીબડામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે, જેના કારણે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે…

રીબડા સરદાર પટેલ ગ્રૂપ દ્વારા મંગળવારે રીબડામાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને બોલાવવામાં આવ્યા હતા, ચૂંટણીમાં ગીતાબા જાડેજાની જીત બાદ જયરાજસિંહની રીબડામાં એન્ટ્રી થઇ હતી, જયરાજસિંહે પણ પોતાના પ્રવચનમાં રીબડા જૂથને આડે હાથ લઇ આગામી દિવસોમાં તેમની પિપૂડી બંધ કરાવી દેવાની ચીમકી આપી હતી. જયરાજસિંહને રીબડામાં બોલાવી તેમનું સન્માન કરાતા રીબડા જૂથ ઉશ્કેરાયું હતું અને બુધવાર સવારથી રીબડા જૂથે આયોજકો પૈકીના યુવકો અને વૃદ્ધોને ધમકાવવાનું શરૂ કર્યું હતું, રીબડા અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપે પાટીદાર યુવક અમિત ખૂંટને લમણે બંદૂક રાખી બંદૂકના ખુંદા તેની છાતીમાં ફટકાર્યા હતા અને જયરાજસિંહને બોલાવવા બદલ તેને ધમકાવ્યો હતો…

રીબડા જૂથે અનેક વ્યક્તિઓને ધમકાવતા સાંજે 7 વાગ્યે રીબડા, ગુંદાસરા અને સડક પીપળિયા ગામના પાટીદારો એકઠા થઇ ગયા હતા અને રીબડા જૂથના આતંક સામે રોષ ઠાલવ્યો હતો, પાટીદારો ટોળે વળતાં રીબડામાં માહોલ તંગ થઇ ગયો હતો, ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા રાઠોડ અને પોલીસના ધાડા સ્થળ પર ઉતરી ગયા હતા, બીજીબાજુ ત્રણેય ગામના પાટીદારો રેલી સ્વરૂપે ગોંડલ જયરાજસિંહના બંગલે દોડી ગયા હતા…

અમિત ખૂંટે પોતાની સાથે રાજદીપે કરેલી ધમાલની વાત વર્ણવી હતી, તેમજ અન્ય પાટીદારોએ પણ રીબડા જૂથ વિરુદ્ધ રજૂઆત કરી હતી, રાજદીપે કરેલા કરતૂત અંગે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો, તો રીબડા જૂથને સતત પડકારતા રહેલા જયરાજસિંહ જાડેજાએ ગુરુવારે સાંજે 7 વાગ્યે રીબડામાં મહાસંમેલનની જાહેરાત પોતાના બંગલેથી જ કરી દીધી હતી. જયરાજસિંહ દ્વારા રીબડામાં મહાસંમેલનની જાહેરાતને પગલે રાજકીય માહોલ ગરમાઇ ગયો હતો, પોલીસે રાજદીપ સહિતનાઓ સામે ગુનો નોંધવાની અને તેને સકંજામાં લેવાની કવાયત શરૂ કરી હતી…

આપણાં વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

 

error: Content is protected !!