ગોંડલ-રીબડા જુથ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતા મોટી નવા જુની થવાના એંધાણ, ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન આઇપીએસ અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ જ ઉભા કરી દેવાયાં…

સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણીના ત્રણ દિવસ પહેલા વર્તમાન ધારાસભ્ય જયરાજસિંહે ભુણાવા ગામમાં ચૂંટણી સભામાં ખુલ્લે આમ ધમકી આપતા રીબડાના અનિરૂદ્વસિંહે કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહેતા ચૂંટણીંમાં મોટી નવા જુની થવાના એંધાણ થયા છે. જે બાબતને ધ્યાનમાં લઇને ચૂંટણીપંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવા માટે સુચના આપી છે. જેને પગલે ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન આઇપીએસ અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ જ ઉભા કરી દેવાયા છે. તો એસઆરપી અને સીઆરપીએફની અનેક કંપનીઓને તૈનાત કરાવવા માટે સુચના આપી છે…

ગોંડલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા વતી ભુણાવા ગામમાં ચૂંટણી સભા દરમિયાન જયરાજસિંહે તેમની સામે ટિકિટ માંગનારને જાહેરમાં ધમકી આપતા કહ્યું હતું કે ગોંડલની બેઠક જયરાજસિંહની જ રહેશે. જે વિડીયો વાયરલ થતા પોલીસ એલર્ટ મોડ પર હતી. ત્યારે સોમવારે રીબડાના અનિરૂદ્વસિંહે જયરાજસિંહને પડકારતા મતદારોને કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહ્યું હતું. જે બંને વિડીયો વાયરલ થતા ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલમાં સૌથી મોટા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સુચના આપી હતી. જેમાં ગોંડલ વિધાનસભામાં આવતા તમામ ગામડા અને વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સતત મોનીટરીંગ કરીને બે-બે કલાકના અંતરે રિપોર્ટ આપવા માટે પણ જણાવાયું છે…

આ અંગે રાજકોટ રેંજ આઇજી અશોક યાદવે જણાવ્યું કે ગોંડલની બેઠક સૌરાષ્ટ્રમાં સંવેદનશીલ છે. જેથી ગોંડલમાં રાજકોટ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાંચ , સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ અને સિનિયર આઇપીએસ તેમજ ડીવાયએસપી સ્તરના અધિકારીઓના કેમ્પ ગોંડલમાં મુકવાની સુચના રાજકોટના જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે. ખાસ કરીને રીબડા અને ગોંડલ જુથ વચ્ચેના સંવેદનશીલ ગામોમાં લશ્કરી અને અર્ધ લશ્કરી દળો પણ કાર્યરત રહે છે. આ સાથે તમામ ગામોમાં વિડીયોગ્રાફી પણ કરાશે. માત્ર ચૂંટણીના દિવસે મતદાન શાંત વાતાવરણમાં થાય તે માટે જ નહીં પણ પરિણામ આવ્યા સુધી ગોંડલ વિધાનસભા પર પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેશે…

સુત્રોના જણાવ્યા મુજબ અનિરૂદ્વસિંહ જુથના માણસોએ ગોંડલ વિધાનસભામાં આવતા ગામોમાં જયરાજસિંહની લીડ તુટે તે માટે કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કર્યો છે, જેથી 15 થી 20 ગામોના મત તુટે તો ગીતાબા જાડેજાને મોટું નુકશાન થઇ શકે તેમ છે. તેવી સ્થિતિમાં બંને જુથ વચ્ચે મોટી નવા જુનીના એંધાણ છે. તો બીજી તરફ પોલીસે ભાજપના સિનિયર નેતાઓની મદદ લઇને જયરાજસિંહ અને અનિરૂદ્વસિંહને સમજાવવા સોમવારે સાંજ સુધી પ્રયત્ન કર્યા હતા. પરંતુ, બંને જુથ હવે આમને સામને આવી ગયા હોવાથી સમજાવટનું પરિણામ મળી શક્યું નથી. જેથી પોલીસે હાલ બંદોબસ્ત વધારવા પર જ ભાર મુક્યો છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4

 

error: Content is protected !!