11 ઓગસ્ટ, 1979ના રોજ મચ્છુ-2 ડેમ તુટતા ધસમસતા પાણીના પ્રવાહે મોરબીને ખેદાનમેદાન કરી તબાહી મચાવી હતી….

43 વર્ષ વીતી ગયા છે મોરબીની એ ગોઝારી જળ હોનારતને. જયારે મચ્છુ 2 ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 43 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. 43 વર્ષ પહેલાં 11 ઓગસ્ટ, 1979ના મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ બંધ પાણીના સખત પ્રવાહને જીરવી શક્યો ન હતો અને બંધની દીવાલ પાળો તૂટી પડતા સર્જાયો હતો એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી.

11 ઓગસ્ટ 1979 નો એ દિવસ અને સમય હતો બપોરે 3-15નો. જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ 2 ડેમ તુટયો છે. તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલાં જ બપોરે 3-30 કલાકની આસપાસ તો પૂરના ધસમસતા પાણી મોરબીમાં ફરી વળ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું….

એ ગોઝારી ઘટનામાં શું બન્યું હતું….

તા. 11-08-1979ની એ બપોરે એ ગોઝારા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી. સતત ત્રણ દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી. તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ સમાવી શક્યો ના હતો. આખરે બપોરે ડેમની દિવાલની બાજુમાં રહેલ માટીનો પારો તુટયો અને જોતજોતામાં 3.30 વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઇ ચુક્યું હતું.

માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી.પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે નીચે પાણી પાણી હતું. તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના શકતા જમીનદોસ્ત બની ગઈ હતી. હજારો માનવ જિંદગીઓ કાંઈ પણ સમજે તે પહેલાં તો પાણી તેના સ્વજનોને, મિલકતોને ક્યાય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિ:સહાય બનીને કુદરતના તાંડવને જોઈ રહ્યો હતો.

ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલા માનવ શબો પડયા હતા. સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા. જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડયા રહ્યા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

error: Content is protected !!