ગુજરાતમાં 2002ના રમખાણો વખતે બિલકીસબાનો પર બળાત્કારના તમામ 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ આજે 15મી ઑગસ્ટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે ચોમેરથી રાજ્ય સરકાર પર ફિટકાર વરસી રહ્યો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી. આ દોષિતોએ જેલમાં 15 વર્ષથી વધુ સમય કાપ્યો હતો અને એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં પ્રિમૅચ્યોર રિલીઝ માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે સજામાફી અંગે વિચારણા કરવા કહ્યું હતું અને સરકારે એક કમિટીની રચના કરી હતી….
શું છે સમગ્ર કેસની વિગતો….
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેના સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો. એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં. બળાત્કાર ગુજારાયા બાદ નરાધમોએ અધમરી હાલતમાં તેને છોડી દઇ ભાગી ગયા હતા. જે બાદ બિલકીસબાનો જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો…
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા. બિલકીસની તપાસ કરનારા તબીબે દબાણમાં તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી. ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં. 2002માં બિલકીસ પર જ્યારે સામૂહિક બળાત્કાર ગુજારાયો ત્યારે તેઓ ગર્ભવતી હતાં. એ વખતે તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્મમતાથી હત્યા કરી દેવાઈ હતી…
આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે. આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે…
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl