ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો…

હાર્દિક પટેલે 2015માં પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઈને પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આંદોલનને કારણે હિંસા થઈ હતી અને ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી. હાર્દિકને ટ્રાયલ કોર્ટ દ્વારા તોફાનોમાં તેની ભૂમિકા માટે અગ્નિદાહ, મિલકતને નુકસાન અને ગેરકાયદેસર એસેમ્બલીના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા….

હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેના કારણે તે ચૂંટણી નહોતા લડી શક્યા. ત્યાર બાદ તેમણે સ્ટે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો…

હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે, તેને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી એ અધિકારનું ઉલ્લંઘન છે. હાર્દિક પટેલે 2019ની લોકસભા ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઈ ગંભીર હત્યારો નથી પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે 2015ના મહેસાણા રમખાણોના કેસમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલને દોષિત ઠેરવવા પર સ્ટે આપ્યો છે. જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને વિક્રમનાથની ખંડપીઠે કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને સજા પર સ્ટે મૂકવો તે યોગ્ય મામલો છે….


શું હતો કેસ…

2015માં હિંસા ફેલાવવાના એક કેસમાં મહેસાણા જિલ્લાની સ્થાનિક અદાલતે હાર્દિક પટેલને બે વર્ષની જેલની સજા ફટકારી છે. બચાવમાં હાર્દિક પટેલનું કહેવું છે કે જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે તેઓ મહેસાણામાં હતા જ નહીં. લોકપ્રતિનિધિત્વ ધારા, 1951ની જોગવાઈઓ પ્રમાણે, બે વર્ષથી વધુની સજા થઈ હોય અને અદાલતે સજાને મોકૂફ ન કરી હોય તો જે-તે વ્યક્તિ કોઈ ચૂંટણી માટે ઉમેદવારી કરી શકતી નથી. હાર્દિક પટેલની સામે રાજદ્રોહના બે કેસ પણ છે. જેના માટે તેઓ સુરતની લાજપોર જેલમાં સજા પણ ભોગવી ચૂક્યા છે.

ગત લોકસભા ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે સજામોકૂફી માટે ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. જોકે હાઈકોર્ટે તેમની સજા મોકૂફ કરી ન હતી અને સુપ્રીમ કોર્ટે તેની પર તત્કાળ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે હાર્દિક ચૂંટણી લડી શક્યા ન હતા…

error: Content is protected !!