મંત્રીશ્રી વાસણભાઇ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી : મોરબી જિલ્લામાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો તેમજ વિકાસના કાર્યોનું મંત્રીએ કર્યું મૂલ્યાંકન…


સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી વાસણભાઇની અધ્યક્ષતામાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથેની બેઠકમાં મોરબી જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોનું નીરાકરણ લાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું…

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે મળેલ બેઠકમાં મંત્રીશ્રી વાસણભાઇ આહિરે પ્રજાના પ્રતિનિધિઓ, પદાધિકારીઓના મોરબી જિલ્લાના વિવિધ વહિવટી પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે અધિકારીઓને આદેશો આપી મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે તાકીદ કરી હતી. આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગામડાઓમાં આંતરીક રસ્તાઓ, નગરપાલિકા હસ્તકના જીવન જરૂરિયાતના પ્રાથમિક કામો, ટ્રાફિક, રસ્તાઓ, આરોગ્ય, રસીકરણ અભિયાન, તાલુકા આયોજન અને એટીવીટીના કામો, ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવાના રહેતા કામો સહિત પ્રજાને કનડગત થતાં અન્ય પ્રશ્નો તેમજ સમસ્યાઓ અંગે વાકેફ થઇ તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રશ્નોના નીરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરી અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી…

આ બેઠકમાં ઉપસ્થિત પ્રજાના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને મોરબી જિલ્લાના વિવિધ વહિવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મક્કમતાથી પ્રજાહિતના કાર્યો પૂર્ણ કરવા અને પ્રજાની સુખાકારી માટે સતત પ્રયાસરત રહેવા વાસણભાઇ આહિરે અનુરોધ કર્યો હતો. વાસણભાઇ આહિરે કોરોનાની પરિસ્થિતિ અંગે નાગરિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોરોના હજી ગયો નથી, કોરોનાની બીજી લહેરમાં જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે પરિસ્થિતિ ન આવે તે માટે જનજાગૃતિ થાય, લોકો માસ્ક પહેરવા અંગે ગંભીરતા દાખવે. કોરોનાની ત્રીજી લહેર માટે સરકાર સજ્જ છે પરંતુ કોરોનાની પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે પ્રજાને સાથ સહકાર આપવા પણ અપીલ કરી હતી…

સમગ્ર બેઠકની ચર્ચાના અંતે મંત્રીશ્રી વાસણભાઇ આહિરે ઉપસ્થિત પ્રજાકીય પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ યોજનાના ફળ તેમજ પ્રજાના સુખાકારીના કામો પ્રજા સુધી પહોંચાડવા માટે સંકલન ખૂબ જ જરૂરી છે. કોઇપણ કામગીરીનું સતત ફોલોઅપ લેવાય અને ચર્ચા મુજબનું અનુકરણ કરવા પર ભાર મુક્યો હતો…

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપના સર્વે મહામંત્રી, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, સબંધિત વિભાગના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી….

 

 

error: Content is protected !!