મચ્છુ નદી અને કાનપર ગામના ખરાબાઓમાં બેફામ થતી ખનીજ ચોરી, નવા બનેલા રોડ પર ખનીજ ચોરીના ઓવર લોડેડ ડમ્પરો ચાલતા રોડ ત્રણ માસમાં બન્યો ખખડધજ : તંત્રના તબોટા….

વાંકાનેર તાલુકાના સમૃદ્ધ ખેતી ધરાવતા ગામ પૈકીના કાનપર ગામે જવા માટે નેશનલ હાઈવે પરના મહિકા ગામથી 4 કિમી સીંગલપટ્ટી ડામર રોડનું ત્રણ માસ પૂર્વે ગ્રામજનોની માગણી અનુસંધાને નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ ગ્રામજનોની કમનસીબી કહો કે જવાબદાર તંત્રની નાલાયકી કહો ત્રણ માસ પૂર્વે બનેલા આ રોડની હાલત અતિ બિસ્માર બની છે. નવા બનેલા રોડ પર ત્રણ માસમાં જ ઠેર ઠેર ગાબડાં પર પડી જતાં બાઇક કે કાર લઇને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે….

આ રોડની હાલત બદતર થવા પાછળનાં કારણો જોઈએ તો આ કાનપર ગામની આજુબાજુના સીમ વિસ્તારમાં આવેલ ખરાબાઓમાં અતિ કિંમતી માટી-મોરમનો વિપુલ જથ્થો ઉપલબ્ધ હોવાથી ખનીજ માફિયાઓની દાઢ ડખરી અને છેલ્લા પાંચેક વર્ષથી આ રોડ પર 40 થી 50 ટન ચોરીની ખનીજ ભરેલા ટ્રકો રાત્રિ થી સવાર સુધી બેફામ ચાલે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે બાબતની જાણ ગ્રામજનો દ્વારા સમય-સમયે જવાબદાર તંત્ર પૈકી કલેકટર, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રને કરવામાં આવી હોવા છતાં હપ્તા બાપાની જય કે મીલીભગત થકી આ ખનિજ ચોરી ભરેલા ટ્રકો ક્યારે પણ બંધ થયા નથી કે તેમાં કમી પણ આવી નથી ! જેનો સીધો મતલબ દરેક જવાબદાર તંત્ર સાથે ખનીજ માફિયાઓની મીલીભગત સ્પષ્ટ થાય છે….

આ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતી ખનીજચોરી જગજાહેર હોવા છતાં આજ સુધી સ્થળ પર મુલાકાત લેવાની કોઈ પણ જવાબદાર તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવી નથી. કાનપર ગામથી સુરેન્દ્રનગર જવા માટે સિંગલ પટ્ટી રસ્તો હોવાથી આ રસ્તા પર આગળ જતાં આજુબાજુ અનેક જગ્યાએ ખનીજચોરી અર્થે ખોદાણ કરેલ ખાણો જોવા મળે છે. અહીં નજીક ફાયરબ્રિક્સની આઇટમો બનાવવા માટે ઉપયોગી એવી કિંમતી માટી નીકળતી હોવાથી જવાબદાર તંત્ર અને રાજકારણીઓની મિલીભગતથી મસમોટી ખનીજ ચોરીનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સત્તાધારી પક્ષ સંગઠનના હોદ્દેદારો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ, આ કીંમતી ખનીજનો જથ્થો સરકારી સંપત્તિ છે કે માફિયાઓના બાપની જાગીર ?

અહિં સરકારી સંપત્તિ ખુલ્લેઆમ લૂંટાઈ રહી છે અને સામે તંત્ર પણ ખુલ્લે આમ તમાશો નિહાળી રહ્યું છે. વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે કાનપર ગામની આજુબાજુમાં કોઈપણ જાતની ખનીજ માટે લીઝ મંજુર થયેલ નથી છતાં વગર લીઝે થતી ખનીજચોરીથી સરકારને લાખો કરોડની રોયલ્ટીનો મસમોટો ચૂનો અને વધુમાં આ ખનીજ ચોરીના ચાલતા ટ્રકના કારણે સિંગલ પટ્ટી રોડનો બુકડો બોલી જતાં તેનો પણ સરકારને મસમોટો ચૂનો….

કાનપર ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નવિનીકરણના ત્રણ માસમાં જ ખખડધજ બનેલા આ રોડ પર ચક્કાજામ કરાયો છે. અને ગ્રામજનો દ્વારા સામુહિક રીતે અહિં ચાલતાં ખનીજચોરીના ટ્રકોને રોકી રોડ પર વચ્ચોવચ ઠાલવી અને ચક્કાજામ કરવામાં આવ્યો છે. જેથી છેલ્લા ત્રણ દિવસથી ગ્રામજનોની સક્રિયતા થી અહિ ચાલતી ખનીજચોરી બંધ છે. છતાં પણ આજસુધી જવાબદાર તંત્ર અહિયાં ફરક્યું પણ નથી‌. બાબતે કાનપરના ગ્રામજનોની માંગણી છે કે આ ખખડધજ હાલતમાં ફેરવાયેલા રોડનું તાકિદે સમારકામ કરાય અને આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ખનીજચોરી અને ટ્રકોની હેરાફેરી બંધ કરવામાં આવે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!