મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ નજીક ગઈકાલે મોડીરાત્રે એક યુવાનની નિર્મમ હત્યા કરવા મામલે મૃતક યુવાનના માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમ પ્રકરણમા ત્રણ શખ્સોએ કાવતરું રચી તેમના પુત્રને રહેંસી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે મોરબીના નગર દરવાજાથી જુના બસસ્ટેન્ડ તરફ જતા સરદાર રોડ ઉપર ખોડિયાર પાન નજીક હિરેન જગદીશભાઈ ભટ્ટ (રહે. જાની શેરી, શાહ નિવાસ નજીક, મોરબી) નામના યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હતી, જે બનાવમાં આજે સવારે મૃતક યુવાન હિરેનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઈ ભટ્ટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહીપતસિંહ વાઘેલા અને રણજીતસિંહ વાઘેલા અને તેની સાથે આવેલ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમનો દીકરો હિરેન કાપડ બજારમાં ન્યુસ્ટાઇલ ફેમીલી શોપ રવાપર રોડ પર આવેલ દુકાનમાં કામ કરતો હતો,
જેમાં ગત તા. ૨૫ના રોજ તે બપોરના અઢી વાગ્યે ઘરે જમવા માટે આવ્યો ત્યારે તેણે ચંન્દ્રીકાબેનને વાત કરી હતી કે, આજે મને અગાઉ આપણા ઘર પાસે રહેતા રણજીતસિંહ વાઘેલા અને તેનો ભત્રીજો મહિપતસિંહ વાઘેલા મારી સાથે પ્રેમ પ્રકરણ બાબતે ઝગડો કરવાના છે તેવુ મને લાગે છે, અને આજે મારૂં શું થશે?’ તેમ કહેતા ચંન્દ્રીકાબેનને ‘કાંઇ નહી થાય ખોટી ચીંતા કરમાં’ તેમ કહ્યું હતું. જે બાદ હિરેન કામ પર જતો રહ્યો હતો અને રાત્રીના આશરે સવા અગિયાર વાગ્યાની હિરેને તેના નાના ભાઈ રવિને ફોન કરી પૂછ્યું હતું કે, ‘અહીંયા ખોડીયાર પાન પાસે મહિપતસિંહ તથા બીજો એક માણસ મારી સાથે માથાકુટ કરવા આવેલ છે ત્યા આપણા ઘરે કોઇ ઝગડો કરવા આવેલ નથી ને?’ ત્યારે રવિએ કહ્યું કે, ‘આપણા ઘરે કોઇ ઝગડો કરવા આવેલ નથી’
તેની થોડીવારમાં હિરેનના મિત્ર સોલંકી હિરેને રવિને ફોન કરીને સિવિલ હોસ્પિટલે બોલાવ્યો હતો. જ્યાં ચંન્દ્રીકાબેન તેમના પુત્ર રવિ સાથે પહોંચતા મિત્ર સોલંકી હિરેને જણાવ્યું હતું કે, બંન્ને દરરોજ સરદાર રોડ પર આવેલ ખોડીયાર પાનની દુકાને બેસવા જતા હતા.એ દિવસે પણ તેઓ ખોડીયાર પાન પાસે બેઠા હતા ત્યારે સવા અગિયારેક વાગ્યાની આસપાસ બે અજાણ્યા માણસોએ હિરેનને બોલાવી સામેની સહકારી મંડળીવારી શેરીમાં લઇ ગયેલ અને ત્યાં બંન્નેએ હિરેન સાથે માથાકુટ કરી હતી અને તેમાં એક અજાણ્યા માણસે હિરેનને છાતીના ભાગે તથા ડાબા પડખામાં છરીના ઘા મારી દીધેલ અને બીજા માણસે હિરેનને પકડી રાખ્યો હતો.
છરી માર્યા બાદ બન્ને ત્યાંથી જતા રહ્યા હતા. જેથી મિત્ર સોલંકી હિરેને તેને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફત સિવિલમાં દાખલ કર્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી આ મામલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ આઇપીસી કલમ 302, 120 (બી), 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU