કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે, ગુજરાતમાં 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ તેને લઇને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા હતા. જેમાં આજે આ મામલે મુખ્યમંત્રી જાહેરાત કરી છે કે,
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. વેક્સિનના અપુરતા જથ્થાના કારણે હાલ સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ 10 જીલ્લામાં જ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. રાજ્ય પાસે 29 એપ્રિલની સ્થિતિએ માત્ર 4.62 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હતા…
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1.20 કરોડનું રસીકરણ…
ગુજરાતની વાત કરીએ તો 29 એપ્રિલે સવારે 7 વાગ્યાની સ્થિતિ સુધીમાં કુલ 97,78,790 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું જ્યારે 22,67,033 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ 1,20,54,863 રસીકરણના ડોઝ આપવામાં આવેલા છે. દેશના જે રાજ્યોમાં રસીકરણના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોય તેમાં મહારાષ્ટ્ર 1.55 કરોડ ડોઝ સાથે મોખરે, રાજસ્થાન 1.28 ડોઝ સાથે બીજા, ઉત્તર પ્રદેશ 1.21 ડોઝ સાથે ત્રીજા તથા ગુજરાત 1.20 ડોઝ સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 1.06 કરોડ ડોઝ સાથે પાંચમાં સ્થાને છે….
કોવેક્સિન ગુજરાતને રૂપિયા 400માં પડશે…
ભારત બાયોટેકે પોતાની કોવેક્સિન નામની રસી અગાઉ રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કંપનીની નવી જાહેરાત મુજબ, હવે તમામ રાજ્ય સરકારોને એ 400 રૂપિયે જ પડશે. ગુજરાત સરકારે આ રસીના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે….
હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વેક્સિનેશન જરૂરી…
અત્યાર સુધીમાં ગુજરાતને કેન્દ્ર તરફથી 1.27 કરોડ ડોઝ મળ્યા છે. રસીકરણના તમામ તબક્કામાં ગુજરાતમાં કુલ 1.20 કરોડ લોકોએ રસી લીધી છે, જે કુલ વસતિના 18.3 ટકા છે. તેમાંથી 95.64 લાખ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. નિષ્ણાતોના મતે, સંક્રમણને લગભગ નાબૂદ કરવા હર્ડ ઇમ્યુનિટી હેઠળ 70 ટકા વસતિને રસી આપવી જરૂરી છે. ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સથી રસીકરણ અભિયાનનો 10 જાન્યુઆરીએ પ્રારંભ થયો હતો, જેથી લગભગ ચાર મહિનામાં હર્ડ ઇમ્યુનિટી માટે જરૂરી 70 ટકા પૈકીની ગુજરાતની ચોથા ભાગની વસતિ રસી મેળવી ચૂકી છે…