જુનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ફરિયાદીને ઢોર માર મારી, માથે ટકો કરી જાહેરમાં સરઘસ કાઢી કાળું મોઢું કરવાના કેસમાં સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટનું ફરમાન…

જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ભેંસાણ પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી, ફરિયાદીના મોટાભાઇના હાથે ફરિયાદીના માથે ટકો કરાવી ગામમાં સરઘસ કાઢી, મોંઢુ કાળુ કરવાના પોલીસ એટ્રોસીટીના ચકચારભર્યા કેસમાં નીચલી કોર્ટે આરોપી પીએસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ફટકારેલી અને હાઇકોર્ટે યથાવત્ રાખેલી સજાના ચુકાદા સામે પીએસઆઇ બળવંત સોનારા સહિતના પોલીસ કર્મીઓ તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી અપીલ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટસિ એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. અને સુપ્રીમકોર્ટે આરોપી પોલીસ કર્મચારીઓને ત્રણ સપ્તાહમાં સરન્ડર કરવા પણ ફરમાન કર્યું હતું. સાથે સાથે પોલીસને એવી પણ તાકીદ કરી હતી કે, જો આરોપી પોલીસ કર્મચારીઓ સરન્ડર ના થાય
તો તેમની વિરૂધ્ધ પગલાં લેવામાં આવે…

અગાઉ આ કેસમાં તા. ૨૭-૦૨-૨૦૧૭ના રોજ ભેંસાણના ફર્સ્ટ ક્લાસ જ્યુડી. મેજી. હર્ષિત ડાયાભાઇ પટેલે પીએસઆઇ બી. પી. સોનારાને 3 વર્ષની સખત કેદની સજા અને 6,000 નો દંડ તેમજ રમેશભાઇ, દાદુભાઇ અને રામજીભાઇને 1-1 વર્ષની સાદી કેદની સજા અને 1-1 હજાર નો દંડ ફટકાર્યો હતો. પીએસઆઇ સહિત ચારેયએ એડી. સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં વીસાવદરના ચોથા એડી. સેશન્સ જજ પી. એમ. સાયાણીએ ચારેયની સજા કાયમ રાખી હતી અને તેઓએ ચૂકવેલી દંડની રકમ ફરિયાદીના પરિવારને આપવાનો હુકમ કર્યો હતો. જોકે, આ દરમ્યાન હેડ કોન્સટેબલ દાદુભાઇ મીસરીભાઇ મેરનું મૃત્યુ થતાં તેની સામેની અપીલએ મુજબ એબેટ ગણી ફેસલ કરવાનો હુકમ કર્યો હતો. જેની સામે આરોપી પોલીસ કર્મચારીઓ તરફથી કરાયેલી રિવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને સજાનો હુકમ કાયમ રાખ્યો હતો. સજા યથાવત્ રાખતા હાઇકોર્ટના ચુકાદા સામે પીએસઆઈ બળવંત પ્રભાતભાઇ સોનારા તથા અન્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી સ્પેશ્યલ લીવ પટિશનનો સખત વિરોધ કરતાં પોલીસ એટ્રોસીટીનો ભોગ બનનાર ફરિયાદી તરફથી એડવોકેટ ભૌમિક ઢોલરિયાએ રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે,

પ્રસ્તુત તરફથી કરાયેલી એસએલપી ટકી શકે તેમ નથી કારણ કે, આ પોલીસ એટ્રોસીટીનો એક અસાધારણ કેસ છે કે, જેમાં નિર્દોષ ફરિયાદીને પોલીસ મથકમાં અને જાહેરમાં ઢોર માર મારી, ખુદ તેના ભાઇ દ્વારા જ તેનો ટકો કરાવી જાહેરમાં સરઘસ કાઢી મોંઢુ કાળુ કરી થર્ડ ડિગ્રી ટોર્ચર આપી ગંભીર ઇજા પહોંચાડવાનો કેસ છે. ખુદ પોલીસ દ્વારા જ સુપ્રીમકોર્ટના ડી. કે. બાસુના જજમેન્ટ અને માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન આ કેસમા થયું છે, ત્યારે સુપ્રીમકોર્ટે આરોપીઓની પિટિશન ફગાવી દેવી જોઈએ તેવી દલીલો ગ્રાહ્ય રાખી સુપ્રીમકોર્ટે આરોપી પોલીસ કર્મચારીઓની પિટિશન ફગાવી દઇ ત્રણ અઠવાડિયામાં સરન્ડર કરવા ફરમાન કર્યું હતું….

શું હતો પોલીસ અત્યાચારનો વિવાદિત કેસ ?

ચકચારી કેસની વિગત એવી છે કે, ગત તા.૧૪-૨-૨૦૦૪ના રોજ તે ફરિયાદી પોતાની રીક્ષા લઇને જઇ રહ્યા હતા ત્યારે હકાભાઇ અને તેના બે ભાઇઓએ તેમને આંતર્યા હતા અને તેમની બહેનની છેડતીનો આરોપ લગાવી ફરિયાદી પર હુમલો કર્યો હતો. તેથી ફરિયાદી ભેંસાણ પોલીસ મથકમાં હકાભાઈ અને તેના ભાઇઓ વિરૂધ્ધ ફરિયાદ આપવા પહોંચ્યા હતા. જોકે, આરોપી પીએસઆઇ બળવંત સોનારાએ જણાવ્યુ કે, હકાભાઇએ ઉલ્ટાની તારી વિરૂધ્ધમાં અરજી આપી છે, એમ કહી ફરિયાદીને બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. એ વખતે ફરિયાદીના પિતા અને ભાઇએ આરોપી પીએસઆઇને ગાળો બોલવાની ના પાડતાં પીએસઆઇ બળવંત સોનારા ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે ફરિયાદીને, તેના પિતા અને ભાઈને મા-બહેન સામે ગાળો ભાંડવાની શરૂ કર્યું હતું. આરોપી
પીએસઆઇ અને કોન્સ્ટેબલોએ ફરિયાદીને ઢોર માર મારી ખુદ તેના ભાઇના હાથે જ ફરિયાદીના માથે ટકો કરાવ્યો હતો અને બાદમાં જાહેરમાં માર મારી ફરિયાદીનું જાહેરમાં સરઘસ કાઢયુ હતું અને ત્યાં પણ જાહેરમાં આરોપી પીએસઆઈ અને કોન્સ્ટેબલોએ ફરિયાદીને પેટમાં લાતો અને ફેંટોનો ઢોર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ફરિયાદીના કાકાને પણ ઢોર માર મરાયો હતો. જેને પગલે તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવાની ફરજ પડી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!