ચોર સમજી યુવાનને નિર્દયતા પુર્વક ઢોર માર મારતાં મોત થયું, સાતેય આરોપીઓની ધરપકડ કરતી પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં બે દિવસ પહેલા એક પરપ્રાંતીય શ્રમિકની બેભાન અવસ્થામાં ઈજાઓના નિશાન સાથે બોડી મળી આવી હતી, જેમાં તેનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો, જેથી આ બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી યુવાનને ચોર સમજી નિર્દયતા પુર્વક ઢોર માર મારી હત્યા કરનાર સાત શખ્સોની ધરપકડ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૨ના રોજ વાંકાનેર તાલુકાના જુના લુણસરીયા રોડથી વિશીપરા રોડ વચ્ચે ધમલપર ગામની સીમમાં એક અજાણ્યો પુરૂષ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો જેથી તેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતાં અજાણ્યા પુરુષનું મોત થયું હતું, જેના શરીર પર ઈજાઓના નિશાન મળી આવતા પોલીસે હત્યાની શંકા સાથે બનાવની તપાસ શરૂ કરી હતી, જેમાં આ યુવાનનું નામ કાર્તિકસિંગ રૂહ્યાસિંગ (ઉ.વ.૩૧) હોય અને તે ત્રણ દિવસ પુર્વે જ ઓડીશાથી મજુરી કામ માટે આવ્યો હોય અને‌ હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ બ્રાવટ કારખાનામાં કામ કરતાં ત્યાંથી ગુમ થયાનો ખુલાસો થયો હતો…

જેથી બાબતે લેબર કોન્ટ્રાકટરની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં મોરબી એલસીબી પીઆઈ, વાંકાનેર સીટી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ અને વાંકાનેર સીટી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા મૃતકને અજાણ્યા ઇસમોએ ચોર સમજી નિર્દયતા પુર્વક બોથડ પદાર્થથી ઢોર માર મારતાં મોત થયાની બાતમી મળતાં પોલીસે અલગ અલગ સ્થળેથી આ બનાવમાં યુવાનની હત્યા કરનાર સાત શખ્સોની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત આપી હતી…

જેથી પોલીસે આ બનાવમાં યુવાનની હત્યા કરનાર આરોપી ૧). સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલ હાલા (ઉ.વ.૨૨), ૨). સચિન ઉર્ફે ચઢ્યો રસીકભાઇ ગોહિલ (ઉ.વ.૩૮), ૩). પારસ ઉર્ફે ભજ્જી ભરતભાઈ મકવાણા (ઉ.વ.૨૬), ૪). અમન અબ્દુલભાઈ આંબલીયા (ઉ.વ.૧૯), ૫). યુવરાજસિંહ કપુરજી પરમાર (ઉ.વ.૨૦), ૬). મોહશીન કાસમભાઈ અજમેરી (ઉ.વ.૩૦) અને ૭). મકસૂદશા ઉર્ફે મખ્ખી કાસમશા શાહમદાર (ઉ.વ.૨૬) રહે બધા ભાટિયા સોસાયટી, વાંકાનેરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ‌….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!