રાજ્ય કે કેન્દ્ર સરકારની માન્યતા ન હોય તેવા ટુટફુલ 4જી અને 5જી બીટી બિયારણ અમુક વેપારીઓ વેંચી અને ગ્રામ્ય પંથકમાં સેલ્ફ સર્વિસના ખુલેલા હાટડાઓ….
વાંકાનેર પંથકમાં વધુમાં વધુ વાવેતર થતું બીટી કોટન બિયારણ જેમાં સર્ટીફાઈડ બીટી બિયારણનું વાવેતર થતું હોય તેનો ફાયદો ઉઠાવવા અમુક લેભાગુ વેપારીઓ દ્વારા ‘ તુટફૂલ ‘ના હુલામણા નામે નોન સર્ટીફાઇડ બીટી બિયારણો વાંકાનેર પંથકમાં ધૂમ વેંચી રહ્યા છે. બાબતે આજ સુધી આવા વેપારીઓ સામે જવાબદાર તંત્ર વામણું પુરવાર થયું છે કે પછી હપ્તા બાપાની જે બોલી રહી છે ?
છેલ્લા દસેક વર્ષથી વાંકાનેર વિસ્તારમાં નકલી તુટફુલ બીટી બિયારણના નામે ખેડૂતો સાથે લાખો-કરોડોની ઠગાઈના બનાવો બન્યા છે, પરંતુ હલકુ લોહી હવાલદારનું ફરી ફરીને ખેડૂતો જ છેતરાઈ છે. અગાઉની છેતરવાની સ્કીમ જૂની થઇ જતાં હવે નવી સ્કીમ અમલમાં મૂકાય છે જેમાં નવા તુટફુલ ના નામે 4જી અને 5જી બિયારણો ખાનગી બજારમાં મૂકાયાં છે. 4જી બિયારણમાં એક થેલીના રૂ. 1150 અને 5જીના રૂ. 2000 પુરા તોળાઇ રહ્યા છે. નેહલે પે દહેલા સમાન ખેડૂતોને છેતરવાની એક સ્કીમ પૂરી થાય તો નવી તૈયાર જેવો ઘાટ સર્જાયો છે. 4જી અને 5જી નકલી બીટી બિયારણ ગુલાબી ઈયળ પ્રુફ હોવાનું જણાવીને ખેડૂતોને ખુલ્લેઆમ છેતરાઈ રહ્યા છે.
દર વર્ષે પોતાની ફરજના ભાગરૂપે ખેડૂતોના હિતમાં ચક્રવાત ન્યુઝ પેપર અને વેબ ચેનલ દ્વારા આ ષડયંત્રને ખુલ્લા પાડતા અહેવાલો પ્રસિદ્ધ કરાયા છે. બિયારણની ક્વોલિટી(ગુણવત્તા) બાબતે રાજ્ય સરકારમાં ક્વોલીટી કંટ્રોલ વિભાગ કાર્યરત છે જે હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યો છે કે શું ? વધુમાં રાજ્યમાં કૃષિ કેન્દ્રો સહિત અનેક ઓફિસો ધમધમી રહી છે જે ખેડૂતોના હિતના રક્ષણ કરવા માટે કાર્યરત છે. લાખો-કરોડોના ખર્ચે ચાલતા કૃષિ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ખેડૂતોના હિતમાં કામ કરવામાં કેમ પાછી પાની કરે છે ? કે પછી આંખ આડા કાન કરીને હપ્તા બાપાની જઇ બોલાવી રહ્યા છે ?
બાબતે ઉચ્ચ તંત્ર હરકતમાં આવે તો અહીં ચાલતા મસમોટા ષડયંત્રનો પર્દાફાશ થાય તેમ છે અને ભોગ બનતા ખેડૂતો આ ઠગાઈમાંથી બચી શકે તેમ છે. આપણા કૃષિ પ્રધાન દેશના ખેડૂતોની હાલત દયનીય બની રહી છે. કૃષિ વીમો હોય કે કૃષિ સહાય કે પછી રાસાયણિક ખાતરનો ભાવ વધારો, દરેક વખતે હળવું લોહી હવાલદારનું સમજી ભોગ બનવાનું માત્ર ખેડૂતોને આવે છે.વર્તમાન સમયમાં ચાલતી કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં બહુમત ભાજપ પક્ષની છે તો તેમાં બેઠેલા ખેડૂત પુત્રો વામણાં કેમ બની રહ્યા છે ?
વાંકાનેર પંથકમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી બીટી કોટન બિયારણના વાવેતરમાં તૈયાર થતાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ ગુલાબી ઈયળનના નાશ માટે આજ સુધી કોઈ જંતુનાશક દવા ન બનતા, જે કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ થાય તે કપાસનો પાક નિષ્ફળ નીવડે છે અને ખેડૂતોએ આ કપાસનો પાક કાઢીને બીજા પાકનું વાવેતર કરવા મજબૂર બને છે જેથી ખેડૂતોએ કરેલા ખર્ચ માથે પડતાં ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવે છે.
ગુલાબી ઈયળનું ઉત્પાદન કેન્દ્ર એટલે નકલી તુટફુલ બીટી બિયારણ. હાલ કપાસના વાવેતરની સિઝન જ્યારે શરૂ થવા જઇ રહી છે ત્યારે ગુલાબી ઈયળ પ્રુફ નકલી બીટી બિયારણના નામે લેભાગુ તત્વો ખેડૂતોને છેતરી દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યા છે. ખેડૂતો માટે ઘાત 4જી અને 5જી નકલી બીટી બિયારણ સામે કડક હાથે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ? બાબતે લોક ચર્ચા જાગી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f