વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાટીદાર અગ્રણીના પુત્ર અમરશી પટેલ સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર શહેર નજીક ખાનગી રીતે ચાલતાં બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ બાબતે આજે સવારથી વાંકાનેર શહેરમાં સમગ્ર ગુજરાતમાંથી મિડિયા મિત્રોએ ધામા નાંખ્યા હોય, જેમાં અહી છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું ઉભું કરી વાહન ચાલકો પાસેથી ખાનગી ટોલ ઉઘરાણીનો પર્દાફાશ થતાં ભારે હોબાળો મચી ગયો છે, જે પ્રકરણમાં આજે પાંચ શખ્સો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભાજપ અગ્રણી તથા પાટીદાર અગ્રણીના પુત્ર સહિતના મોટામાથાઓનો સમાવેશ થતાં ખળભળાટ મચી ગયો છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નજીક વઘાસીયા પાસે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમયથી સરાજાહેર ચાલતા ખાનગી બોગસ ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ કર્મચારી યશપાલસિંહ પરમારએ ફરિયાદી બની વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકાની બાજુમાં પુર્વ દિશાએ આવેલ વ્હાઇટ હાઉસ સિરામીક ફેક્ટરી છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હોય, જેમાં વ્હાઇટ હાઉસ સીરામીકના શેઠ ૧). અમરશીભાઇ જેરામભાઇ પટેલ, વઘાસીયા ગામના ૨). રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા ૩). હરવિજયસિંહ જયુભા ઝાલા તથા તેના મળતીયા માણસો ભેગામળી કારખાનામાં વઘાસીયા ટોલનાકુ બાયપાસ થઇ જાય તેવી રીતે ગેરકાયદેસર રસ્તો બનાવી વાહનચાલકોને બળજબરીથી અહીંથી પસાર કરી તેમની પાસે મરજી મુજબ ટોલપ્લાઝા દ્રારા નિયત કરેલ દર કરતાં ઓછો ટોલ ઉઘરાવી ગેરકાયદેસર કૃત્ય કરી બામણબોર ટોલવેઝ પ્રા.લી.ને આર્થિક નુકશાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હતા….
આ સાથે જ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા તેનો ભાઇ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા વઘાસીયા ગામમાં ટોલનાકું બાયપાસ થાય તે રીતે ગેરકાયદેસર રસ્તો બનાવી વાહનચાલકો પાસેથી ખોટી રીતે નાણાં વસૂલી સરકાર દ્રારા સંચાલીત વઘાસીયા ટોલનાકા ઉપર ટોલ ઉઘરાવાની સતા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા.લી.ને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા હતા…
જેથી આ બાબતે કોઇપણ જાતની સતા કે અધિકાર વગર આરોપીઓએ પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પસાર થતા વાહનોને બળજબરીથી લઇ જઇ આ વાહનોને ટોલપ્લાઝા બાયપાસ કરાવી ગેરકાયદેસર રીતે પહોંચ આપ્યા વગર પોતાની મરજી મુજબ ટોલની ઉઘરાણી કરી સરકાર દ્રારા સંચાલીત ટોલ કંપની તથા ખાનગી વાહનચાલકો સાથે છેતરપીંડી કરતાં આરોપી ૧). અમરશીભાઇ જેરામભાઈ પટેલ (વ્હાઇટ હાઉસ સિરામીકના ઓથોરાઈઝ), ૨). રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. વઘાસીયા), ૩). હરવિજયસિંહ જયુભા ઝાલા (રહે. વઘાસીયા), ૪). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે. વઘાસીયા), ૫). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે. વઘાસીયા) અને તેમની સાથેના અજાણ્યા માણસો સામે પોલીસે આઇપીસી કલમ 384, 406, 320, 506(2), 34 મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ હોય તેમજ આરોપી અમરશીભાઇ પટેલ ઉમિયાધામ સંસ્થા-સિદસરના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર હોય, જેથી આ રાજકીય તથા સામાજિક મોટા માથાઓ સામે આગામી સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV