વાંકાનેર શહેરની 50 હજાર કરતાં વધુ વસ્તી માટે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ડહોળુ, દુષિત અને અનિયમિત પિવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. બાબતે શહેરભરના નાગરિકોમાં પાલિકાતંત્ર પ્રત્યે રોષ અને વિરોધનો વંટોળ ફેલાયો છે. આ વિરોધ વધુ વકરે તે પૂર્વે જવાબદાર પાલિકાતંત્ર દ્વારા પરિણામ લક્ષી પગલાં ભરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી રહી છે….

વાંકાનેર શહેરમાં લાંબો સમયથી નગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યા બાદ વર્તમાન બોડી પણ ભાજપના બેનર હેઠળ ફરી ચુંટાઇ અને પક્ષથી બળવો કરી પાલિકામાં અપક્ષ શાસન સ્થાપિત કર્યું છે. જે બાદ પણ સત્તા શાસન ભાજપનું હોય કે અપક્ષોનું પરંતુ વહીવટ અને કાર્યશૈલીમાં ફિર વહી દિન, ફિર વહી રાત, એક જ સિસ્ટમ, એક જ કામ : હમ નહિ સુધરેંગે…

સત્તા શાસન બદલાયા બાદ પણ વાંકાનેર શહેરના નાગરિકો ઠેરના ઠેર રહ્યા છે, જેમાં કોઈ પણ બદલાવ કે કોઈ નવી સિસ્ટમ લાગુ કરાઇ નથી. બાબતે વિસ્તૃત વાત કરીએ તો હાલ વર્તમાન સમયમાં મુખ્ય મુદ્દો વાંકાનેર શહેરને અપાતું પીવાનું પાણી છે, જે છેલ્લા ત્રણેક માસથી અત્યારે ડહોળું અને દૂષિત આપવામાં આવી રહ્યું છે્ આ સાથે જ છેલ્લા થોડા દિવસોથી પાલિકા તંત્ર દ્વારા આ મુશ્કેલીમાં વધારો કરીને શહેરને એકાંતરા અપાતું પીવાનું પાણી પણ ત્રણ-ચાર દિવસે એકવાર આપવામાં આવી રહ્યું છે. જે મુદ્દે શાસકોએ પુનઃ વિચારની જરૂર છે…

વાંકાનેર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો મુખ્ય સ્ત્રોત મચ્છુ 1 ડેમ ની વર્તમાન સપાટી 26 ફૂટ જેટલી છે જે પીવા માટે લાંબો સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે. પિવાના પાણી માટે મચ્છુ 1 ડેમ પંપહાઉસ થી વાંકાનેર સુધી પાઈપલાઈન પણ નવી નાખવામાં આવી છે. જેમાં વાંકાનેર શહેર ટેકરી ખાતે આવેલા ફિલ્ટર પ્લાન્ટ પણ અધતન સુવિધા સાથે નવો બનાવાયો છે છતાં પણ વાંકાનેર શહેરને છેલ્લા અઢી માસ કરતા વધુ સમયથી અપાતું પીવાનું પાણી એકાંતરાને બદલે ત્રણ થી ચાર દિવસે અને એ પણ દૂષિત અને ડહોળું આપવામાં આવે છે. મચ્છુ 1 ડેમમાં થી ખેડૂતોને સિંચાઈ માટે શરૂ કરવામાં આવેલ કેનાલ પણ 20 માર્ચે બંધ કરાયા બાદ આજ સુધી શહેરને પીવાનું પાણી ડહોળું અને દુષિત કેમ અપાઇ છે ? તેનો પાલિકાતંત્રના જવાબદારો પાસે કોઈ જવાબ છે ખરો ?

શરૂઆતમાં કેનાલ બંધ કરાઈ હોય જેથી બે-ત્રણ દિવસ પાણી ડહોળું આવશે તેવું પાલિકાના સુપરવાઇઝરે ચક્રવાતને મૌખિક જણાવાયું હતું પરંતુ બે-ત્રણ દિવસના બદલે આજે અઢી માસ બાદ પણ શહેરના નાગરિકોને અપાતું પીવાનું પાણી ડહોળું અને દૂષિત કેમ આપવામાં આવી રહ્યું છે ? પાલિકા તંત્ર પાસે અદ્યતન ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાનું પણ જાણવા મળે છે.

વર્તમાન સમયમાં કોરોના સહિતની ગંભીર બીમારીઓએ હાહાકાર મચાવ્યો છે તે સમયે જ વાંકાનેર શહેરના નાગરિકોને વધુ બીમારીમાં સપડાવવા માટે પાલિકાતંત્ર દ્વારા શું પાણી ડહોળું અને દૂષિત અપાય છે કે શું ? તેવું માનવું જ ઘટે. જો ગંભીર બીમારી અને કટોકટીના સમયે લોકોના સ્વાસ્થ્ય બાબતે ગંભીરતા ન લેવાય તો ક્યારે લેવાશે ? જેથી આ બાબતે વાંકાનેર શહેરને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!